વેડચ કલ, આજ ઔર કલ ?

ગામની પ્રગતિ, દેશની પ્રગતિ

વિભાગ- ૧


યુગ શક્તિ, વેદમાતા, દેવમાતા, જગત જનની, વિશ્ર્વવિધાતા....
શ્રી ગાયત્રી દેવ્યૈ નમ:
૧     ૐ ભૂભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો
દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્
૨     વક્રતુંડ મહાકાય, સૂર્યકોટી સમ પ્રભા,
નિર્વિધ્નં કુરુ મે દેવા, સર્વ કાર્યેસુ સર્વદા
૩     ૐ મૃત્યુંજય મહાદેવ, ત્રાહિમામ્ શરણાગતમ્
જન્મ-મૃત્યુ, જરા-વ્યાધિ, પીડીતં કર્મ બંધને
૪     દક્ષિણે લક્ષ્મણો યસ્ય, વામે તુ જનકાત્મજા
પૂરતો મારુતિર્યસ્ય, તં વંદે રઘુનંદનમ્ 
૫     હે કૃષ્ણ કરુણાસિંધો , દીનબંધો જગત્ પતે
ગોપેશ ગોપીકાકાન્ત, રાધાકાન્ત નમસ્તુતે 
ૐ શાન્તિ : શાન્તિ : શાન્તિ : 



-: નમ્ર નિવેદન :-
પ્રિય વાચક ભાઈ-બહેનો,
        કોઈપણ ગામનો ઇતિહાસ એ સહેલી વાત નથી. તેવી જ રીતે આપણા ગામની નવી-જૂની વાતોનો ઇતિહાસ લખવો એ ઘણી જ મહેનત માગી લેતો વિષય છે. કોઇપણ પ્રકારની માહિતી મેળવવી હોય તો અનેક વ્યક્તિઓની મુલાકાત લેવી પડે, વ્યક્તિ મળે નહિ, મુલાકાત માટે ધક્કા ખાવા પડે તથા  મુલાકાત થતાં કામમાં સફળતા ન મળે ત્યારે માનસિક થાક શારીરિક થાકમાં પરીણમે ત્યારે  કામમાં વિલંબ થતો હોય છે.
        બીજું કે હું કોઈ પીઢ અનુભવી નથી કે જ્ઞાની નથી ઉપરાંત ગામની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી નથી છતાં આપણા ગામની ગરિમા જળવાય રહે અને તેની વહી ગયેલી વાતોની માહિતી તથા ચાલુ પ્રવાહની બનતી ઘટનાઓ વિશેની માહિતી બની શકે તેટલી વધુ અને શક્ય હોય તેટલી સત્ય માહિતી મેળવવા પ્રયત્ન કરેલ છે. ઉપરાંત કેટલીક માહિતી જુદીજુદી અનુભવી વ્યક્તિઓ પાસેથી, કેટલીક જુની નોંધો ઉપરથી તથા કેટલીક મારી જાણકારી મુજબ, મારા અનુભવ મુજબની માહિતી અહીં કંડારવામાં આવી છે. છતાં આ તમામ માહિતી સંપૂર્ણ સત્ય હશે તેમ માની લેવું નહિ. કેટલીક માહિતી ખોટી કે અધૂરી પણ હોય શકે, ઉપરાંત કેટલીક માહિતી જાણ બહારની રહી ગયેલી પણ હશે તો તે બદલ ક્ષમા-યાચના.
        આ લખવા પાછળ મારો કોઇ અંગત સ્વાર્થ સાધવાની ભાવના નથી, પરંતુ આપણી નવી પેઢી તથા ભવિષ્યની પેઢી આ જુની તથા નવી વાતોથી વાકેફ થાય અને જાણકારી મેળવે અને આપણા ગામની ગરિમા જળવાય રહે તે હેતુથી જ આ નોંધપોથી તૈયાર કરવામાં આવી છે.
અંતમાં જે મિત્રોએ આ માહિતી પૂરી પાડવાના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે સહકાર આપ્યો છે, તેમને મારા હાર્દિક ધન્યવાદ.... નમસ્તે....
અંતમાં ..........
જો વક્ત મિલ જાય તો દો ઘડી યાદ ભી કર લેના,
 હીં નફરત હો જાય તો પાંવ સે ઠુકરા ભી લેના,
 હમ ઈતની તો રખના, કભી દિલ સે ન ઠુકરાના.
આભાર........

લિખિતંગ     જાદવ ફતેસિંહ રતનસિંહ  ‘‘ જોકર ’’
 

૧. વિતી ગયેલી વાતો....
        વેડચ ગામ તા.જંબુસર જિ.ભરૂચમાં આવેલું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અને ખેડા જિલ્લાના બોરસદ તાલુકાની સરહદ પર મહીસાગર નદીના તટે આવેલું ગામ છે.
          તેની સ્થાપના સંવત ૫૪૫ માં થઈ હતી. જેના મૂળ વતનીઓ શીહોરા લાડ વાણીયા અને ગોહિલ રજપૂતો હતા. ત્યારબાદ સવંત ૧૩૨૫માં જાદવ અને રાઠોડ રજપૂતોનો વસવાટ થયેલો.
          વેડચ ગામ મોટી પાટી અને નાની પાટી એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. ધર્મશાળાની  દક્ષિણ તરફના ભાગને નાની પાટી અને ઉત્તર તરફના ભાગને મોટી પાટી કહેવામાં આવે છે.
          વેડચ ગામની મોટી પાટીની વસ્તી પાંચ ભાઈઓના વંશવેલાની છે. અનુક્રમે ભીમો, જામો, તલસી, જેતો અને સુલતાન એમ પાંચ ભાઈઓનો પરિવાર ગણાય છે. તેમનું ગોત્ર અત્રિ મુનિ છે. આ પાંચ ભાઈનો વડવો સંવત ૧૦૪૧ માં ચાંપાનેરથી ગેમલસંગ મુ. પાટોદ, તા. પાદરા મુકામે આવ્યા હતા. હાલમાં ત્યાં તેમનો કૂવો પણ છે. તેઓ પાટોદથી અનગઢ ગામે ગયા. તેમની ચોથી પેઢીએ જશવંત અને કાશીજી સારોલ મુકામે આવ્યા. તેમાં જશવંત સારોલ રહ્યા અને કાશીજી વેડચ મુકામે આવ્યા અને ત્યારબાદ દશમી પેઢીએ આ પાંચ ભાઈઓથી ગામની વસ્તીમાં વૃદ્ધિ થઈ.
          યાદવોની ૨૧ શાખા છે. ખેડીયા, ખેડ, ખુમાન, મહેરા, કાછેલ, ખાચર, અરૂખોરી, સાંધલા, જાડેજા, સરવૈયા, માડોચ, કાઢી, દેવગઢ, ગુડાસમા, અરુહંસલા, શંખેશ્ર્વર, અહેરીયા, પઢિયાર, અરબ, અહકર અને ઊન છે.
          આમાં હરજી, ભીમજી, તેલજી, ચતુરજી, અને મેઘજી એમ પાંચ ભાઈઓનો પરિવાર વધતાં વસ્તીની વૃદ્ધિ  થઈ અને મેઘજીના ૬૦, આહજીના ૪૦૦, ચતુરજીના ૧૮, તેલજીના ૬૦ અને ભીમજીના ૨૦ ઘરોનો પરિવાર થયો. જેમાંથી વૃદ્ધિ થતાં આજના સંદર્ભમાં ડબ્બલ કે તેથી પણ વધુ ઘરોનો કુટુંબ કબીલો થઈ ગયો.



ગામની કુલ જમીન ૮૮૫૨ એકર ૯ ગૂંઠા છે. તેમાં ખેડવા લાયક જમીન ૨૮૨૪ એકર ૨૪ ગૂંઠા છે. ઢોર ચરણની જમીન ૩૫૧ એકર ૨૫ ગૂંઠા છે. મહિસાગરનું ભાઠું ૧૯૪૦ હેક્ટર અને આંટો ૩૬ એકર કહેવાય છે.
          આ ગામ આઝાદી માટેની ચળવળ વખતે સને- ૧૯૩૦માં માર્ચની ૨૧મી તારીખે મહાત્મા ગાંધીજી પધારેલા અને આ ગામના આગેવાનોએ તથા પ્રજાજનોએ આઝાદીની લડતમાં ભાગ લઈ શૂરાતન દાખવેલું. મીઠાના સત્યાગ્રહ વખતે ચંદ્રશંકર ભટ્ટ, વાડીલાલ લલ્લુભાઈ મહેતા (અમદાવાદ) તથા ગામના આગેવાનોના સહયોગથી લોકો ભાઠામાં મીઠું લૂંટવા ગયેલા અને અંગ્રેજ સરકારના કાયદાનો ભંગ કરેલો. આ સત્યાગ્રહ વખતે ગામની કેટલીક વ્યક્તિઓએ જેલ પણ ભોગવેલી. તેમાં જીવાભાઈ રણછોડભાઈ જાદવ તથા શંકરભાઈ ઝીણાભાઈ જાદવે જેલ ભોગવેલી. તેઓને સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું પેન્શન પણ મળતું હતું.
          આ ગામની પ્રજા ઘણી જ લડાયક અને શૂરાતન વાળી હોવાથી તેમના પર જોર-જુલમ કરી કાબુમાં રાખવા ઈ.સ. ૧૯૩૬ માં અંગ્રેજ સરકારે પોલિસ સ્ટેશનની સ્થાપના કરી. ત્યારબાદ તાલુકાના કેટલાક શૂરાઓએ વેડચ ગામનું પોલિસ સ્ટેશન લૂટ્યું હતું; અને તેમાંથી બંદૂકો લઈને ભાગી ગયેલા. તેમાં મુખ્ય (૧) રાયસંગ ડાભઈભાઈ-બોજાદ્રા (૨)લલ્લુભાઈ બાદશાહ-ઉબેર (૩) મેઘજી-(મૂળ કાઠિયાવાડ ના પણ અણખી રહેતા હતા) (૪) વાઘેલા-(જાશપુર) હતા. તેમણે અંગ્રેજ પોલીસની નાકકટ્ટી કરી હતી.
          ત્યારબાદ સ્વરાજ્યની લડત વખતે ગાંધીજી અમદાવાદ આશ્રમમાંથી દાંડીયાત્રા માટે કેટલાક સત્યાગ્રહીઓની ટોળી સાથે પગપાળા નીકળેલા ત્યારે તેઓ ૨૧ મી માર્ચ ૧૯૩૦માં વેડચ ગામમાં પધારેલા; અને મોટા આંબાવાડિયામાં ગામલોકો સાથે બેઠક યોજેલી.
          ત્યારબાદ ઈ.સ. ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટના રોજ આઝાદી મળતાં તે દિવસે ગામમાં લોકોએ આનંદ ઉત્સાહ મનાવેલો; અને શિક્ષકો તથા બાળકો સાથે ગામલોકોએ ધર્મશાળા ના મકાન પાસેના ચોગાનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ રાખેલો. શાળાઓમાં બાળકોને મીઠાઈ વહેંચી બાળકોને રજા આપવામાં આવી હતી. આમ આઝાદ દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરેલી.